વાપીની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતે નોન- ગ્રાન્ટેડ શાળામાં વોકેશનલ શિક્ષણ શરૂ કરવા માર્ગદર્શન સેમિનાર યોજાયો

Share

વાપી સ્થિત સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલના અધ્યક્ષસ્થાને નોન-ગ્રાન્ટેડ શાળાઓમાં વોકેશનલ શિક્ષણનો વિષય શરૂ કરવા અંગે આચાર્યશ્રીઓ માટે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં જિલ્લાના વિવિધ નોન-ગ્રાન્ટેડ તથા સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના આચાર્યશ્રીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ સંઘના પ્રમુખ અલ્પાબેન કોટડીયા, મંત્રી મિત્તલબેન ઢાકડા, ફાઉન્ડર કપિલસ્વામી તેમજ SSA કો-ઓર્ડિનેટર શીતલબેન હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલ દ્વારા NEP 2020 અંતર્ગત વોકેશનલ શિક્ષણના મહત્વ, તેના ઉદ્દેશો તથા ભવિષ્યમાં તેની આવશ્યકતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે શાળાઓમાં કયા કયા વોકેશનલ વિષયો શરૂ કરી શકાય, સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ કોર્સ પસંદગી કેવી રીતે કરવી, તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આ વિષયનું મહત્વ શું છે તે બાબતે વિગતવાર સમજણ આપી હતી. આ ઉપરાંત મૂલ્યાંકન પદ્ધતિ, પ્રેક્ટિકલ આધારિત શિક્ષણ, કૌશલ્ય વિકાસ, રોજગાર ક્ષમતા વધારવા માટેના પાસાઓ તથા શિક્ષણને જીવનમુખી બનાવવાના મુદ્દાઓ પર પણ વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, વોકેશનલ શિક્ષણથી વિદ્યાર્થીઓમાં આત્મનિર્ભરતા, કુશળતા અને વ્યવસાયિક દૃષ્ટિકોણનો વિકાસ થશે. અંતમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા આવનાર શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ થી જ વલસાડ જિલ્લાની તમામ નોન-ગ્રાન્ટેડ શાળાઓમાં વોકેશનલ શિક્ષણનો વિષય અસરકારક રીતે અમલમાં મૂકવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો તેમજ તમામ આચાર્યશ્રીઓને આ દિશામાં સક્રિય કામગીરી કરવા પ્રેરણા આપવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત તમામ શિક્ષણજનો દ્વારા માર્ગદર્શનને ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયી ગણાવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *