ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ દેશમાંથી ક્ષય રોગના નિર્મૂલન માટે ‘વિશ્વ ક્ષય દિવસ’ નિમિત્તે મહેસાણા જિલ્લામાં જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસ્મિન, મ્યુનિસિપલ કમિશનર શ્રી રવિન્દ્ર ખતાલેના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી બિરેન પટેલ દ્વારા ‘ટીબી મુક્ત ભારત અભિયાન – 100 દિવસીય વિશેષ ઝુંબેશનો’ લીલી ઝંડી આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ અભિયાન હેઠળ જિલ્લાના તમામ ગામો, વોર્ડ અને શહેરી વિસ્તારોમાં સક્રિય રીતે ટીબીના દર્દીઓની શોધ, સમયસર નિદાન અને સંપૂર્ણ સારવાર સુનિશ્ચિત કરવા માટે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં જાગૃતિ લાવી ‘ટીબી મુક્ત મહેસાણા’ અને ‘ટીબી મુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવાનો છે.
આ 100 દિવસીય વિશેષ અભિયાન અંતર્ગત જિલ્લામાં મોબાઇલ મેડિકલ યુનિટ (MMUs) દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં X-Ray અને NAAT પરીક્ષણ જેવી આધુનિક સુવિધાઓ પહોંચાડવામાં આવશે. નિદાનની સાથે સાથે દર્દીઓના BP, BMI અને બ્લડ સુગરની તપાસ પણ કરવામાં આવશે. આ ઉપરાંત, “નિક્ષય મિત્ર” પહેલ હેઠળ દર્દીઓને પોષણ સહાય અને માનસિક આધાર પૂરો પાડવામાં આવશે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) અને CSR ના સહયોગથી આ અભિયાનમાં લોકભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી દરેક અસરગ્રસ્ત વ્યક્તિ સુધી આરોગ્ય સેવાઓ પહોંચી શકે.
આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા ક્ષય અધિકારીશ્રી તેમજ અન્ય આરોગ્ય કર્મચારીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.