સાબરકાંઠા જિલ્લાના નાગરિકોને પેટ્રોલ, ડીઝલ, પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) તેમજ અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો કોઈપણ અવરોધ વગર સતત મળતો રહે તે હેતુથી ૨૯ માર્ચ ૨૦૨૬ના રોજ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્તરીય સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને તેલ કંપનીઓના પ્રતિનિધિઓએ વર્તમાન પરિસ્થિતિ અને ભાવિ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં પુરવઠાની સાંકળ જાળવી રાખવાનો અને કોઈપણ પ્રકારની કૃત્રિમ અછત ઊભી ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે.
બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ હાલમાં જિલ્લામાં ઉપલબ્ધ જથ્થાની વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠામાં ૨૫ સીએનજી પંપ અને ૧૧૯ પેટ્રોલ-ડીઝલ પંપ કાર્યરત છે. તારીખ ૨૯-૦૩-૨૦૨૬ની સ્થિતિએ જિલ્લામાં કુલ ૧૩૬૫ કિલો લિટર પેટ્રોલ અને ૨૧૨૬ કિલો લિટર ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે, જે દૈનિક સરેરાશ વેચાણ સામે પૂરતો હોવાનું જણાય છે.
આ ઉપરાંત જિલ્લાની ૨૧ ગેસ એજન્સીઓ પાસે વિવિધ કંપનીઓનો કુલ ૧૦,૭૬૧ એલપીજી સિલિન્ડરનો જથ્થો હાજર છે. ગેસ એજન્સીઓને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ ઘરગથ્થુ અને કોમર્શિયલ ગેસના વિતરણમાં પારદર્શિતા જાળવે અને ગ્રાહકોને સમયસર ડિલિવરી મળે તે બાબત સુનિશ્ચિત કરે.
ખાદ્ય સુરક્ષાના ભાગરૂપે સમિતિ દ્વારા ઘઉં, ચોખા, તુવેર દાળ, મીઠું અને ખાંડ જેવી ચીજવસ્તુઓના વિતરણ પર પણ દેખરેખ રાખવામાં આવી રહી છે. માર્ચ ૨૦૨૬ના કોમોડિટી વાઈઝ રિપોર્ટ મુજબ ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી, ઇડર અને હિંમતનગર સહિતના તાલુકાઓમાં વિતરણની પ્રક્રિયા સુચારુ રીતે ચાલી રહી છે.
કલેક્ટરશ્રી દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે કોઈપણ વેપારી કે સંસ્થા દ્વારા અનાજ કે ઈંધણની સંગ્રહખોરી કરવામાં આવશે અથવા કાળાબજારના પ્રયાસો થશે તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) ક્ષેત્રે પણ જિલ્લામાં નોંધપાત્ર કામગીરી થઈ રહી છે. સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા નવા કનેક્શન આપવાની પ્રક્રિયા વેગવંતી બનાવવામાં આવી છે. ડોમેસ્ટિક પીએનજી ક્ષેત્રે ૯૦૫ જેટલી અરજીઓ પ્રક્રિયા હેઠળ છે અને આગામી ત્રણ અઠવાડિયામાં નવા વિસ્તારોમાં જોડાણ આપવાની ક્ષમતામાં વધારો કરવાનું આયોજન છે.
આ ઉપરાંત જે વિસ્તારોમાં પીએનજી લાઈન ઉપલબ્ધ છે તેવા વિસ્તારના નાગરિકો તેમજ હોટલ રેસ્ટોરન્ટ અને અન્ય સંસ્થાઓને પીએનજી કનેક્શન વસાવવા માટે પ્રોત્સાહિત કરવા સમિતિ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું.
વહીવટી તંત્ર દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ ખોટી અફવાઓથી દૂર રહે અને ઈંધણ કે અનાજની પેનિક બાઈંગ એટલે કે બિનજરૂરી ખરીદી ન કરે.
વર્તમાન ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના દિશાનિર્દેશો મુજબ જિલ્લા સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતા હેઠળ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા પુરવઠા અધિકારી સહિતના પદાધિકારીઓનો સમાવેશ થાય છે.
સમિતિ દ્વારા જિલ્લાના તમામ પેટ્રોલ પંપ, એલપીજી અને પીએનજી સપ્લાય સિસ્ટમ તેમજ ખાદ્ય અનાજના જથ્થાનું ઝીણવટભર્યું મોનિટરિંગ કરવામાં આવશે. ખાસ કરીને હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર પરિવહન જેવી જીવનજરૂરી સેવાઓમાં ઈંધણની અછત ન વર્તાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.